જુવાર ની માહિતી
ઘાસચારા માટે જુવાર એક મહત્વનો પાક છે જે ચોમાસા અને ઉનાળામાં વાવણી કરી શકાય છે. હાલમાં જ્યારે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે પ્રસ્થાપિત થયેલ છે ત્યારે ખાસ કરીને પશુ આહાર લક્શ્યમાં રાખવું મહત્વનું છે. પશુની દુધ ઉત્પાદન ક્ષમતા 30% આનુવાશીંક અને 70% ખોરાક અને માવજત પર આધાર રાખે છે. ખોરાકમાં મુખ્ય બાબતો દાણ અને ઘાસચારો છે.પશુઓને લીલો ચારો અને ધાન્ય વર્ગ તેમજ કઠોળ વર્ગનો ચારો સમયસર ખવડાવવામાં આવે જાનવરને ઓછું દાણ ખવડાવીને પણ વધુ દુધ મેળવી શકાય છે.
ઘાસચારા ની ખેતી
જમીન અને આબોહવા
જુવાર પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અનુકૂળ આવે છે. ગોરાડુથી કાળી તેમજ સારા નિતારવાળી જમીન આ પાકને વધુ માફક આવે છે. જમીનનો પીએચ 6થી 8.5 વચ્ચે હોય એ યોગ્ય ગણાય છે. જમીનની તૈયારી કરવા માટે એક વખત હળ અને બે વખત કરબથી ખેડ કરવી તેમજ અગાઉના પાકના જડિયાં વીણી લેવા. જુવારના સારા ઉત્પાદન માટે હેક્ટરદીઠ 10થી 15 ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવુ.
જુવારનો પાક અનાજ તેમજ ઘાસાચાર માટે ઉપયોગી છે. આ પાક ઓછા પાણી સાથે પણ થઇ શકે છે. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદ આધારિત જ જુવારની ખેતી થાય છે. સામાન્ય રીતે જુવારને એકલા પાક તરીકે જ વાવવામાં આવે છે. જોકે, ચોમાસુ વાવણીમાં ચોળા અથવા ગુવાર સાથે આંતરપાક તરીકે પણ જુવારની ખેતી ખેડૂતો સારી રીતે કરે છે.
વાવણી સમય
ચોમાસુ જુવારના વાવેતર માટે જુન-જુલાઇ માસમાં પ્ર્થમ વરસાદે વાવણી કરવી હિતાવહ છે. ઉનાળુ જુવાર માટે ફેબ્રુઆરી-માર્ચ માસમાં વાવણી કરવી. અછતના સમયમાં સપ્ટેમ્બર માસ દરમિયાન પણ વાવણી કરી શકાય છે. આ પાકને ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.
ખાતર અને પિયત
ઘાસચારા જુવારને એક કાપણી તેમજ બહુકાપણી તરીકે લઈ શકાય છે અને તે પ્રમાણે દરેક કાપણી બાદ પૂર્તી ખાતર આપવામાં આવે છે. જો જુવારની એક કાપણીની ખેતી કરવાની હોય તો હેક્ટરદીઠ 80 કિલો નાઈટ્રોજન અને 40 કિ.ગ્રા. ફોસ્ફરસ આપવા જરૂરી છે. જેમાં ફોસ્ફરસનો બધો જથ્થો અને નાઈટ્રોજનનો અડધો જથ્થો પાયાના ખાતર તરીકે આપવો. જ્યારે બાકીનો અડધો નાઈટ્રોજન વાવણી બાદ 30 દિવસે આપવો. જો એકથી વધુ કાપણી કરવાની હોય તો ઉપરના ખાતર ઉપરાંત પ્રત્યેક કાપણી પછી 20 કિલો નાઈટ્રોજન પ્રતિ હેક્ટર પ્રમાણે આપવો. જો જમીનમાં જસતનું 0.5 પીપીએમ કરતા ઓછુ હોય તો વાવણી પહેલાં પ્રતિ હેક્ટરે 25 કિલો ઝિંક સલ્ફેટ હેક્ટરે દર ત્રીજા વર્ષે આપવુ. આ સાથે 10 ટન છાણિયું ખાતર દર વર્ષે આપવુ. જમીનને યોગ્ય પોષણ આપવાથી લીલાચારા અને સૂકાચારાનું વધુ તેમજ ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઇ શકાય છે.
ભલામણ કરેલી જાતો
- એક કાપણી માટે: એસ-1049 (સુંઢીયા જુવાર), સી-10-2 (છાસટીયો), જી.એસ.એફ-3,જી.એસ.એફ-4, યુ.પી. ચરી-1, યુ.પી. ચરી-2, રાજચરી-1, રાજચરી-2
- બહુ કાપણી માટે: એઅ-એસ-જી-59-3, એઅ-એસ-જી-998, એઅ-એસ-જી-898, એઅ-એસ-જી-555, જી.એફ.એચ.એસ-1, જી.એફ.એચ.એસ-3, જી.એફ.એચ.એસ-4, જી.એફ.એચ.એસ-5
વાવણી અંતર અને બિયારણનો દર
સુધારેલી જાતો માટે હેકટેરે 60 કિ.ગ્રા. અને સંકર જાતો માટે 30 કિ.ગ્રા. દર રાખી બે હાર વચ્ચે 25-30 સે.મી. નું અંતર રાખી વાવણી કરવી.
બિયારણની માવજત
પ્રતિ કિ.ગ્રા. બીજ દીઠ 3 ગ્રામ થાયરમ/કેપ્ટાનનો પટ આપવો. એઝટોબેકટર અથવા એઝોસ્પિરીલમ કલ્ચરનો પટ પણ આપી શકાય
ખાતર
જ્મીન તૈયાર કરતી વખતે હેકટેર દીઠ 6 થી 8 ટન છાણીયું ખાતર આપવું. સુધારેલી જાતો માટે હેકટેર દીઠ 20 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી વખતે તેમજ 20 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ 30 થી 40 દિવસે આપવું. સંકર જાતો માટે હેક્ટેર દીઠ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફોસ્ફ્ર્રસ વાવણી વખતે તેમજ 40 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ 30 થી 40 દિવસે આપવા. બહુ કાપણી માટે 25 કિ.ગ્રા. નાઇટ્રોજન અને 40 કિ.ગ્રા. ફોસ્ફ્ર્રસ વાવણી વખતે તેમજ 25 કિ.ગ્રા. નાઇટ્રોજન વાવણી પછી 30 દિવસે અને 25 કિ.ગ્રા. નાઇટ્રોજન પ્રથમ કાપણી બાદ આપવો. જે જમીનમાં જસતનું પ્રમાણ 0.5 પીપીએમ કરતા ઓછું હોય ત્યાં દર ત્રણ વર્ષે હેક્ટેરે 25 કિ.ગ્રા. ઝિંક સલ્ફેટ આપવો.
નીંદણ નિયંત્રણ
એક આતંરખેડ અને વાવણી બાદ 30-35 દિવસે હાથ નિંદાનણ કરવા. રાસાયણીક નીંદણ નિયંત્રણ માટે વાવણી બાદ બીજા દિવસે ભેજ્વાળી જ્મીનમાં એટ્રાઝીન અથવા પ્રોપેઝીન 0.25-0.5 કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટેર પ્રમાણે 500 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. વાવણી બાદ 25-30 દિવસે 2,4-ડી(ઈઈ) 0.75 કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટેર પ્રામાણે 500 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી નીદંણો તેમજ આગીયાનું નિયંત્રણ કરી શકાય. કઠોળ પાકો સાથે જુવારનું વાવેતર કરેલ હોય ત્યારે વાવણી બાદ બીજા દિવસે એલાકલોર 1.0 સક્રિય તત્વ પ્રતિ હેકટેર પ્રમાણે છંટકાવ કરવો.
પિયત
ચોમાસુ પાકને પિયતની જરૂર રહેતી નથી. જ્મીન અને પાક્ની અવસ્થા ધ્યાનમાં લઇ ઉનાળામાં 10-15 દિવસે 4-5 પિયત અને બહુ કાપણી માટે 7-8 પિયત આપવા.
જુવાર ઉત્પાદન
ઘાસચારાની જુવારની તરીકે કાપણીની અવસ્થા ખુબ જ મહત્વની છે. જુવારમાં હાઈડ્રોસાઈનિક એસિડ નામનુ ઝેરી તત્વ હોય છે. આ તત્વ પશુ માટે નુકશાનકર્તા સાબિત થઇ શકે છે. જુવારના પાકને જ્યારે 50 ટકા ફૂલ હોય એ વખતે હાઈડ્રોસાઈનિક એસિડનું પ્રમાણ ઓછું હોય છે. આ સમયે કાપણી કરવાથી પોષકતત્વો પણ પશુને વધુ મળે છે. જો બહુકાપણી કરવાની હોય તો પ્રથમ કાપણી 55થી 60 દિવસે અને ત્યારબાદની કાપણી દર 45 થી 50 દિવસે કરવી જોઈએ. ઘાસચારાના પાક તરીકે જુવારની ખેતીમાં એક કાપણી પધ્ધતિમાં હેક્ટરદીઠ સરેરાશ 400 કિલો લીલાચારાનું ઉત્પાદન લઇ શકાય છે. જ્યારે એકથી વધુ કાપણી પધ્ધતિમાં 650થી 1200 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સુધી ઘાસચારાનું ઉત્પાદન મળી શકે છે.
પાક સંરક્ષણ
જુવારના પાકમાં ગાભામારાની ઇયળ અને સાંઠાની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. જુવારનો ઘાસચારો પશુઆહારમાં ઉપયોગ થતો હોવાથી સામાન્ય રીતે દવા ન છાંટવી હિતાવહ છે. આથી જીવાતો સામે પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતોનું વાવેતર કરવુ. આ સાથે જમીન તૈયારી વખતે પાછલા પાકના અવશેષોનો વીણીને નાશ કરવો તેમજ ઉંડી ખેડ કરવી. આ ઉપરાંત લાઇટ ટ્રેપ દ્વારા જીવાતોનું નિયંત્રણ કરવુ. લીલા ચારા તરીકે જુવારનો ઉપયોગ કરવાનો હોય તો જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવો. જ્યારે સુકાચારા તરીકે ઉપયોગ કરવાનો હોય અને ઉપયુક્ત પગલાઓ બાદ પણ જીવાત નિયંત્રણ ન થાય તો જ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. જેમાં ગાંભામારાની ઇયળનો ઉપદ્રવ ઓછો હોય તો લીંબોળી યુક્ત દવા એટલે કે એઝાડીરેક્ટીન ઘટક ધરાવતી દવાનો છંટકાવ કરવો. આ ઇયળનો ઉપદ્રવ વધારે હોય તો ઇમામેક્ટીન બેંઝોઇટ અથવા ક્વીનાલફોસ ઘટક ધરાવતી દવાનો છંટકાવ કરી શકાય છે. કાપણીને 20 દિવસથી વધુ સમયની વાર હોય તો જ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
જુવારના પાકમાં વિવિધ પ્રકારની ફૂગથી પાન ઉપર ટપકાનો રોગ જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલા પારાયુક્ત દવાનો 3 ગ્રામ/પ્રતિકિલો બિયારણ પ્રમાણે પટ આપવો. આ ઉપરાંત તળછારો એટલે કે ડાઉની મીલ્ડયુ નામનો રોગ પણ ફુગથી થાય છે. આ રોગની અસરથી પાનની નીચેની બાજુએ સફેદ ફુગની વૃધ્ધિ થાય છે અને છોડ નાના અને અવિકસિત રહે છે. આ રોગ જમીન દ્વારા ફેલાતો હોઈ રોગિષ્ટ છોડ કાઢી નાખી નાશ કરવો તેમજ પાકની ફેરબદલી કરતા રહેવુ.