ગોંડલમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ; ધોરાજીમાં વૃક્ષ ધરાશાયી; જેતપુરમાં વીજપોલ રસ્તા પર પટકાયો


‘બિપરજોય’ વાવાઝોડાની અસર રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહી છે. જેમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પણ પડી રહ્યા છે. બીજીતરફ અનેક ટ્રેનો તેમજ દરિયાકાંઠા વિસ્તારની બસો બંધ કરવામાં આવી હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જ્યારે ઈન્ડિગો અને એરઇન્ડિયાની તમામ ફ્લાઈટો બંધ હોવાથી એરપોર્ટ બંધ છે. તો ગોલ્ડ ડિલર્સ એસો.નાં નિર્ણયને પગલે સોની બજાર પણ મહદઅંશે બંધ જોવા મળી રહી છે.
રેલવે સ્ટેશન અને ST સ્ટેન્ડ પર લોકોની પાંખી હાજરી
હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ તા.15 જૂનનાં રોજ બિપરજોય વાવાઝોડું કચ્છનાં દરિયા કાંઠે ટકરાય તેવી સંભાવના હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં આ સંભવિત વાવાઝોડાને લઈ ઈન્ડિગો-એર ઇન્ડિયાની બધી ફ્લાઈટ બંધ રાખવામાં આવી છે. આજે માત્ર રેસ્ક્યુ ઓપરેશન માટે જ એરપોર્ટ ખૂલ્લું રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક ટ્રેનો તેમજ બસો બંધ રાખવામાં આવી હોવાથી રેલવે સ્ટેશન તેમજ એસટી બસપોર્ટ ખાતે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.
મીની લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળ્યા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લોકોને વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જેને પગલે અનેક ધંધાર્થીઓએ વેપાર બંધ રાખ્યા છે. જ્યારે ગોલ્ડ ડિલર્સ એસોસિએશન દ્વારા ગઈકાલે રાત્રે સોની બજાર બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેને લઇ સોનીબજાર પણ મહદઅંશે બંધ જોવા મળી હતી. તેમજ શાળા-કોલેજો પણ કાલેક્ટરનાં આદેશથી બંધ હોવાથી લોકોની ખૂબ ઓછી અવરજવર જોવા મળી રહી છે. મંદિરો-રસ્તાઓ-બગીચાઓમાં લોકોની પાંખી હાજરીને લઈને મીની લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
બિપરજોય હવે અતિપ્રચંડ બની રહ્યુ છે
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત બિપરજોય હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. ત્યારે વાવાઝોડાની અસર રાજકોટની ધરા પર પણ શરૂ થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. દ્વારકા, રાજકોટ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી
રાજકોટ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર દેખાવા માંડી છે. ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયું છે. સ્ટેશન રોડ ઉપર વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થયો છે. નગરપાલિકા દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
ટ્રકે અડફેટે લેતા વીજપોલ ધડાકાભેર પટકાયો
જેતપુર જુના જકાતનાકા પાસે ટ્રક વીજપોલ સાથે ભટકાયો હતો. ટ્રકે વીજપોલને જોરદાર ટક્કર મારતા તે પટકાયો હતો. વીજપોલને ટક્કર મારીને અજાણ્યો ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. રસ્તા પર વીજપોલ પડતા વાહન ચાલકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. રસ્તા પર વીજપોલ પડ્યો હોવાની ઘટનાની જાણ થતા નગરપાલિકાના કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમને વીજપોલના કાટમાં અને રસ્તા પરથી હટાવીને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવતા લોકોને હાશકારો થયો હતો.
મોડી રાત્રે ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ
બિપરજોય વાવાઝોડાને લઈને ગોંડલ શહેર અને પંથકમાં ભારે પવન સાથે છૂટો છવાયો ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા છે. શહેરમાં સેનિટેશન શાખાના 300થી વધુ વ્યક્તિ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ભારે પવનના કારણે ઘણા ખરાના દુકાનોના બોર્ડને નુકસાન થવા પામ્યું છે.

