કપાસના ભાવ સાધારણ થતા ખેડૂતોમાં કચવાટ, ખર્ચ માથે પડ્યો
સૌરાષ્ટ્રના યાર્ડમાં કપાસની આવક થઇ રહી છે. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર અમરેલી જિલ્લામાં થાય છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. કપાસ પાછળ કરેલો ખર્ચ પણ નીકળતો નથી. ખર્ચ માથે પડી રહ્યો છે.
અમરેલી: રાજ્યમાં અમરેલી જિલ્લો કપાસના વાવેતરમાં અગ્રેસર છે. પરંતુ હાલ ખેડૂતોને સારા ભાવ મળતા નથી. હાલ કપાસના ભાવ 1450 રૂપિયાની આસપાસ છે. કપાસના ભાવમાં ઘટાડો થવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસની ખેતીમાં ખર્ચ વધારે છે. દવા, ખાતર, મોંઘા બિયારણ અને મજુરી ખર્ચ ખૂબ જ લાગે છે. કપાસનો પાક તૈયાર થયા બાદ ભાવ ન મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો છે. એક સમયે કપાસના ભાવ 1500 રૂપિયાએ પહોંચી ગયો હતો. હાલ 1400 રૂપિયાથી લઇને 1450 રૂપિયાની અંદર ભાવ મળી રહ્યાં છે.
જાહેરાત
અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે અને કપાસનું ઉત્પાદન પણ ખેડૂતો મેળવે છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું અને હાલ કપાસના ભાવમાં એક સપ્તાહમાં 20 થી 30 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લો કપાસના વાવેતરમાં અગ્રેસર છે. પરંતુ ભાવ પુરતા મળતા નથી.
ખેડૂત જગદીશભાઈ મુળાભાઈ પીઠવડી એ જણાવ્યું હતું કે, પોતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ વિઘાથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ સૌપ્રથમ 1651 સુધી ભાવ મળી રહેતા હતા. પરંતુ હાલ 1450 રૂપિયા ભાવ મળી રહ્યાં છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 14000 મણ કપાસની આવક નોંધાઈ હતી અને 1,000 થી 1,495 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 23,000 મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસનો ભાવ 1140 થી 1,483 રૂપિયા સુધી નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ યાર્ડમાં કપાસનાં પ્રમાણમાં સારા ભાવ છે. જામનગરનાં હાપા યાર્ડમાં 1500 રૂપિયાની આસપાસ કપાસના ભાવ મળી રહ્યાં છે. જ્યારે અમરેલી યાર્ડમાં ખૂબ જ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નીરાશા જોવા મળી રહી છે.